જુઓ આ છે ભવિષ્યના વડાપ્રધાન : Here is the Future Prime Minister
જો હું વડાપ્રધાન હોઉં તો..
જો હું વડાપ્રધાન હોઉં તો આમ કરી દઉં..તેમ કરી દઉં..
જો.. જો.. માં આખી જિંદગી પંચાત કરવામાં નીકળી જાય અને સાચે જોઈએ તો બધાને એવી તક મળતી નથી, ના બધાં બધું કરી શકે. પણ એનો અર્થ એમ નહિ કે આપણે કોઈ ચર્ચા ના કરી શકીએ. બધામાં બધી આવડત ના હોય પણ અમુક બાબતમાં સમજ હોઈ શકે. બધા ડોકટર, શિક્ષક, એન્જિનિયર, પત્રકાર,બિલ્ડર કે ધંધાદારી નથી બનતા પણ અમુક બાબતમાં જ્ઞાન હોય છે અને ઉપયોગી નીવડે એવી સલાહ હોય છે. નુકકડ પર ચા પીતા પીતા પણ ઘણીવાર આપણને લોકો વિશેષ, અલગ અને ઉપયોગી સલાહ આપતા હોય છે કે દેશમાં આમ થવું જોઈએ કે તેમ કરવું જોઈએ. દરેક પોતાના કામમાં પારંગત હોય છે પણ એ સિવાય બીજા ક્ષેત્રમાં જાણકારી હોય છે. તમે વોટ આપો છો, જે તે દેશમાં જીવન જીવો છો, તો પ્રત્યક્ષ અનુભવના આધારે રાજનીતિ, દેશ નીતિ, વહીવટનો ખ્યાલ આવે છે જેનું કારણ તમારો અનુભવ છે, તમે અનુભવેલી તકલીફ માંથી તમે કઈક શીખો છો, અને એ તકલીફને દૂર કરવા વિચારો છો અને એમાજ તમને જે તે વિષયનું રાજકીય જ્ઞાન કે રસ્તાઓના વિચાર આવે છે. તો જો હું વડાપ્રધાન હોઉં તો.. એમ વિચારી તો શકાય, પણ બની શકાય એ તમારા અનુભવ ઉપર આધાર રાખે છે કે તમે બનો તો શું કરો.
બસ એમજ હું પણ કોઈકવાર રાજકીય વિશેષજ્ઞ બની જાઉં છું અને વિચારું છું કે હું ટીકા કરું એના કરતા હું વડાપ્રધાન હોઉં તો શું કરી શકું. અને એના વિશેજ કઈક, વધારે નહીં પણ પાયાના લેવલ એ શું કરી શકું એ વિશે મારા વિચારે ચર્ચા કરું તો...
1) પ્રથમ હું શિક્ષણ મફત કરું. જે ગણિતની ચોપડીની કિમત સરકારી સ્કૂલમાં 20 રૂપિયા છે એજ ચોપડીની કિંમત ખાનગી સ્કૂલમાં જઈને 200 રૂપિયા કઈ રીતે થઈ જાય.? જ્યાં શિક્ષણ નથી ત્યાંનો સમાજ કઈ રીતે સારી નોકરી કે ધંધો કરી આગળ આવશે અને કઈ રીતે ગરીબી દૂર થશે. અભણ કે ઓછું ભણેલા વ્યક્તિને સારી સમજણ નહીં હોય કે નોકરી નહિ હોય તો એનું જીવન ઉંચુ નહિ આવે અને એ અને એની આગળની પેઢી ગરીબી માંથી ઉપર નહિ આવે. એવા ઢગલો દાખલા છે કે જે ગરીબ ઘરના હતા પણ ઉચ્ચ શિક્ષણના લીધે એ પોતે અને એમની આગળની પેઢી આજે સારું જીવન જીવે છે, ભણેલા માણસનું વૈચારિક સ્તર પણ ઉંચુ હોય છે માટે ગુનાખોરી, ઘરના વિખવાદ, આગળ ની પેઢીનું ભવિષ્ય વગેરેમાં ફરક આવે છે. બીજું કે એકજ શિક્ષણને મેળવવા માટે અલગ અલગ ખર્ચ કઇ રીતે થાય. જો હું પ્રધાનમંત્રી હોઉં તો શિક્ષણનું એક સરખું સ્તર અને ખર્ચ નક્કી કરું. તમામ સરકારી સ્કૂલો હું સ્થાનિક ભાષા તથા અંગ્રેજી મીડીયમ સરકારી સ્કૂલો કરું. ખાનગી સ્કૂલમાં મળતી તમામ સુવિધા સરકારી સ્કૂલમાં આપું. કુટુંબ દીઠ એક બાળક સરકારી સ્કૂલમાં ફરજીયાત કરું અને એવાં બાળકના વીમા, નોકરી, સ્વાસ્થ્ય, ઉચ્ચ શિક્ષણ માટેની બાહેદરી આપું. બીજું કે બે સરકારી સ્કૂલને દસ ખાનગી સ્કુલના જવાબદારીમાં લાવું કે એ ખાનગી સ્કૂલના લાઇસન્સ તોજ મળશે કે સ્થાયી રહેશે કે જ્યારે આ દસ ખાનગી સ્કૂલો બે સરકારી સ્કૂલોમાં એટલીજ તમામ સુવિધાઓ આપશે જેટલી એમની સ્કૂલોમાં છે. તમામ ખનગી અને સરકારી સ્કૂલોમાં શિક્ષકોની પણ તે પોતે ભણાવતા વિષયોની દર વર્ષે પરીક્ષા લઉં જેથી શિક્ષણનું સ્તર જળવાઈ રહે અને વેઠ ના ઉતરે. શિક્ષકોને આવળશે તો બાળકોને આવળશે. ખાનગી સ્કૂલોની ફી ના દર પણ સરકાર નક્કી કરશે. શિક્ષણનો વ્યાપાર ના થાય. મારા એક સ્કૂલ શિક્ષકના શબ્દો છે કે "આજનું શિક્ષણ અને સ્કૂલોએ શિક્ષણના શોપિંગમોલ છે" જેને જે ભણાવું હોય એ ભણાવે અને જે ફી લેવી હોય એ લે. આજની સ્કૂલો પાસે સ્કૂલ શુ શુ એક્ટિવિટી કરાવશે એનું લિસ્ટ છે પણ એમના કયા વિદ્યાર્થીઓ આજે શુ બન્યા કે સ્કૂલમાં કેટલા ટકા છોકરાઓના કેટલા ટકા આવ્યા કે બીજી સ્કૂલ કરતા શિક્ષણમાં સ્કૂલ કેટલી આગળ છે એનું લિસ્ટ નથી. સરકાર ભણવાનું શુ છે એ સિલેબસ અને નીતિ નક્કી કરે છે પણ ફી ને લગતા કાયદા? પણ હું પ્રધાનમંત્રી તરીકે સંશોધન કરી કાનૂનમાં લાવું.
પ્રધાનમંત્રી હોઉતો મારી પ્રાથમિકતા છે કે દેશ માં બધાજ ભણે, એકસરખું ભણે અને એક સરખી ફી ભરે અને સમાન તક મેળવે.
2) કુદરતી આફતો માટેનું રાહત ફંડ, આ એક મુદ્દા પર પણ કાયદો લાવવો જરૂરી છે જો હું વડાપ્રધાન હોઉં તો..
દેશમાં આવતી તમામ કુદરતી આફતો તથા આકસ્મિત ઘટનાઓમાં જે પણ ખર્ચ થાય એ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરે છે. એ રકમ હું ધાર્મિક સ્થળોની કમાણી માંથી પુરા કરવાનો કાયદા પર સંશોધન કરું. થોડું અસહ્ય લાગશે પણ વાંચશો તો યોગ્ય લાગશે.
મારા હિસાબે આપણે જે કાંઈ આપણા ધાર્મિક સ્થળોપર દાન, ભેટ કરીયે છે એ આભાર વ્યક્ત કરવા અને આપણી રક્ષા કરવા કે એ દાન કરી એ કર્મના પુણ્ય રૂપે આપણી રક્ષા અને સહાયતા કરવા કરીયે છે. જો હું વડાપ્રધાન હોઉતો તમામ ધર્મના તમામ ધર્મ સ્થળોને ટ્રસ્ટ અંતર્ગત રાખું, એમાં કામ કરતા, સેવા આપનાર તમામનો પગારધોરણ, મહેનતાણુંનો સ્તર નક્કી કરી એમનું વળતરનો કાયદો શોધું ઉપરાંત ધર્મ સ્થળોનો અન્ય ખર્ચ બાદ કરતાં બાકીની રકમ સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફન્ડમાં જમા થાય અને જે તે ધર્મ સ્થળોના તમામ વ્યવહાર,ત્યાં ના સેવકોના વળતર કે પગારનો હિસાબ, સેવકોની મિલકત એ ત્યાના જ ચાર્ટર એકાઉન્ટન્ટ દ્વારા કરી સરકારી ચાર્ટર એકાઉન્ટન્ટ સાથે મળી આ તમામ વહીવટ થાય એવા કાયદાનું સનશોધન કરું. જેથી લોકો દ્વારા આપેલો પૈસો એમનાજ કામ માં આવે. જે રાજ્યમાં જરૂર પડી એ રાજ્યના ખજાના માંથી તમામ ધર્મના આવેલા પૈસા એમની સેવામાં અને પછી ખૂટે તો બીજા રાજ્યની કે કેન્દ્ર માંથી ધાર્મિક સ્થળો દ્વારા આવેલી આવકની મદદ લેવાની. ધાર્મિક સ્થળો પર થતી આવક કેટલી છે એ આજકાલ બધાને ખબર છે પણ એ નથી ખબર કે એ પૈસાનું શુ થાય છે. આજ પૈસા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પણ ઉપયોગ કરી શકાય.
ટૂંકમાં તમે તમારા ધાર્મિક સ્થળોએ આપેલું દાન કુદરતી આફતો સમયે તમારા માટે વપરાય અને કોઈ વીમા કંપની એમ ન કહે કે "ઇટ્સ એકટ ઓફ ગોડ"
3) અતિ ઉપયોગી અને અત્યંત જરૂરી સ્વાસ્થ્ય વિભાગ. જો હું વડાપ્રધાન હોઉં તો સ્વાસ્થ વિભાગ શિક્ષણની જેમ તદ્દન મફત અથવા તો સરકારી નિયંત્રણમાં લાવી દઉં. એક રોગની દવા બનાવાના લાઇસન્સ અને કાયદા એક અને એજ દવાના ભાવ અલગ અલગ. બ્રાન્ડેડ દવા અને જનરીક દવા અસર એક કરે અને ભાવ ગરીબ અમીર જેવો. સરકાર ઈચ્છે તો આ દવાઓના ભાવ નિયત દરમાં નિયંત્રણ કરી શકે. હોસ્પિટલના રૂમના ભાવ, બધી લેબોરેટરીના ટેસ્ટના ભાવ નિયંત્રણમાં અને એક સરખા લાવી શકે. આજે ભારત દેશની વસ્તી જુવો, એમાં ભણેલા નો આંકડો જુવો, એમાં કમાતા કેટલા અને કેટલું એ જુવો અને એમાં કેટલા લોકો દવા માટે પૈસા ખર્ચી શકે એ જુવો. દેશમાં મારા હિસાબે 25% લોકોજ દવા કરાવી શકે એમ છે બાકી બધા પૈસાના અભાવે જીવ છોડી દેતા હોય છે. ભારત જેવા દેશનું દુર્ભાગ્ય એ છે કે લોકો પાસે ખાવા માટે પૈસા નથી તો દવા માટે ક્યાં પૈસા ખર્ચે. તમામ સરકારી દવાખાનાઓ ખાનગી જેટલાજ અદ્યતન કરું અને શિક્ષણની જેમજ દસ હોસ્પિટલ વચ્ચે બે સરકારી હોસ્પિટલો ખાનગીની જેમજ વિકસાવા અને સુવિધા આપવા કાયદો લાવું. અને તોજ લાયસન્સ અને અન્ય સરકારી સુવિધા મળી રહે.
શિક્ષણમાં નિયંત્રણ આવે તો ભણવાના ખર્ચા ઓછા થાય અને કાયદો આવે તો બેફામ ડોનેશનના ખર્ચ તથા અન્ય ખર્ચ ઘટે અને એજ ડોકટરો એમની ભણતરની લોનો પુરી કરવા આંધળી ફિસ અને ખર્ચ નહિ કરાવે. સ્વાસ્થ વિભાગને લગતી કે નિમાર્ણ માટેની તમામ વસ્તુઓના ભાવ નિયંત્રણમાં સરકાર લાવી શકે જેમકે ભણતરની ફિસ અને ડોનેશન ખર્ચ, એના પુસ્તકો, જેતે કોલેજમાં લાગતી ભણવા માટેની જરૂરી વસ્તુઓ, સાધનો ની કિંમત, સુવિધાના ભાવ. સરકારે ભણ્યા પછી હોસ્પિટલ બાંધવા માટે પ્રોત્સાહન અને સબસીડી, હોસ્પિટલમાં લાગતા સાધન સામગ્રીઓની લાગત, ભાવ, સાધનો પરના ટેક્ષમાં રાહત તથા એને ખરીદવા સુગમ લૉન અને સબસીડી વગેરેનું સંશોધન કરી કાયદો બનાવવો. જે દેશ અભણ અને બીમાર હશે ત્યાં શુ હશે? તમારા ઘરમાં જો બધા બીમાર અને અભણ હશે તો ઘરની સ્થિતિ શું હોઇ શકે એ તમે કલ્પના કરો. એજ દેશ નું થાય છે. સ્વાસ્થ વિભાગ માટે સરકારે કડક વલણ કરવું રહ્યું અને ડોકટર પાસે જતા લોકો બીવે છે કે ખર્ચો કરાવશે કે જે ડોક્ટરોને એક જમાના માં ભગવાન માનતા હતા. મેડિકલ એ એક સેવા કરવાની તક છે. એ પણ માનવું રહ્યું કે આજે ડોકટર બનવા જીવનની કમાયેલી લગભગ બધી મૂડી નાખી દેવી પડે છે જેથી કોઈનો વાંક કાઢવો વ્યાજબી નથી અને માટેજ જ્યાં સરકાર છે, કાયદો છે ત્યાં શક્ય છે.
4) વન ડે વન ઇલેક્શન આ કાયદો પણ જરુરી છે. ભારત જેવા મોટા દેશમાં અલગ અલગ રાજ્યોમાં ચાલતા વિવિધ સમયે ઇલેક્શન ના ખર્ચા યોગ્ય નથી. આખા દેશમાં એકજ દિવસે અથવા એકજ મહિનામાં ઇલેક્શન થવા જોઈએ જેથી દેશના નેતાઓ માત્ર એમા વ્યસ્ત ના રહે અને એકબીજા પાછળ લાગ્યા ના રહે અને પાંચ વર્ષે થતા ઇલેક્શનમાં બાકીના ચાર વર્ષ અને 11 મહિના કામ કરી શકે. ઉપરાંત આ કાર્ય માટે વપરાતા આપડા સુરક્ષકર્મીઓ આટલા બધા એકંદરે આવતા ચૂંટણી કાર્ય માં અટવાય ના રહે. ભારત જેવા ચારેબાજુ આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતા દેશમાં સુરક્ષાબળો નો મોટો ભાગ અલગ અલગ રાજ્યની ચૂંટણી માં વ્યસ્ત રહે તે કેટલું વ્યાજબી. દેશમાં થતા ચૂંટણી કાર્યમાં સુવિધા માટે હું દરેક નાગરિકને બેન્ક એકાઉન્ટ ની જેમ એક સેફ યુનિક આઈ ડી દ્રારા ઘરે બેઠા ઓનલાઇન મત આપી શકે એવી વ્યવસ્થા ઉભી કરું જેથી ચૂંટણી કાર્યમાં થતી ગડબડ, સમય અને ખર્ચ અટકે, ઉપરાંત દેશમાં કોર્પોરેશન, વિધાનસભા, લોકસભા, રાજ્યસભાના મતદાન કરવા કરતાં સીધે સીધા પ્રધાનમંત્રી પદ માટેજ દાવેદારી ધરાવતા સેવકો ને મત કરાય એવી ચૂંટણી વ્યવસ્થા થવી જોઈએ અને જીતનાર દાવેદાર એની નીચેની પેનલ બનાવે તથા કોર્પોરેશન, વિધાનસભા, લોકસભા કે રાજ્યસભા, પ્રધાનમંત્રી કે રાજકારણ ના કોઈપણ પદમાં ત્રણથી વધુ વખત પદ મળે નહીં ત્યારબાદ માત્ર નવા પદાધિકારીના સલાહકાર બની શકાય. જેથી સત્તાનો દૂર ઉપયોગ, ભ્રષ્ટાચાર અને તાનાસાહીની ભાવના અને વિચારશૈલી રાજકારણમાં ના આવે.
5) વન મેન વન કાર્ડ - જો હું વડાપ્રધાન હોઉં તો શિક્ષણ અને સ્વાસ્થ્ય પછી આ કાર્ય પ્રાથમિકતા સાથે કરું.
એક એવું કાર્ડ જેમાં નાગરિકના તમામ વિગતો નો સમાવેશ હોય. જેમકે આ એવું એક ચિપ કાર્ડ હું બનાવું છુ જે રીડ કરતા તમારૂ આધાર કાર્ડ, પાન કાર્ડ, વાહન કાર્ડ, વાહન લાઇસન્સ, પાસપોર્ટ, બેન્ક વિગત, એટીમ, જન્મ, ભણતર અને એવાં તમામ સર્ટિફિસેટ્સ ની વિગત, તમારી મિલકતો ના કાગળિયા, સ્વાસ્થ ના કાગળિયા એમ તમામ પ્રકારના કાગળિયા અને કાર્ડ જે તમે હમણાં અલગ અલગ વાપરો છો એ એક જ ચીપકાર્ડ માં આવી જાય અને જ્યારે જે વિગત ઉપયોગ કરવો હોય એ ઓટીપી દ્વારા કરી શકો જેમકે એટીમ માં યુનિક કાર્ડ નાખો તો એટીમ તરીકે ઉપયોગ માં આવે, જમીન મહેસુલ ની ઓફિસ જાવ અને કાર્ડ નાખો તો એ માત્ર જે તે મિલકત માટે નું સિલેકશન પૂછી ઓટીપી દ્વારા માહિતી આપે, ટ્રાફિક કે આર ટી ઓ ને વિગત જોઈએ તો અધિકારી એના મશિન માં કાર્ડ નાખે તો આર ટી ઓ ને લાગતી વિગતજ એ મશીન વાંચવા પરવાનગી માંગે અને નાગરિક ઓટીપી દ્વારા પરવાનગી આપે. એમજ પાન કાર્ડ, બેન્ક પાસબુક, મિલકતો,પાસપોર્ટ, બ્લડગ્રૂપ, ફેમિલી ડિટેલ્સ, ગુનાઓ, લૉન એમ બધી બાબત મળી રહે. ટૂંકમાં તમારી જન્મકુંડળી. હાઉસિંગ લૉન લો કે પોલીસ સ્ટેશનમાં આ કાર્ડ જ સાથે રાખવાનું, મશીન માં નાખે એટલે માહિતી મળી જાય. કાર્ડ કઢાયા પછી પણ જો નાગરિક કોઈ મિલકત લે, ગુનો કરે, લૉન લે, મતલબ કે કોઈપણ નવી માહિતી હોય એ કાર્ડ માં અપડેટ થઈ જાય. જેમ બેન્ક માં, પાન કાર્ડ માં આધારકાર્ડ ફરજીયાત છે એમજ કોઈપણ ક્ષેત્રમાં આ કાર્ડ નંબર ફરજીયાત. નવું બેન્ક એકાઉન્ટ ઓપન કરો એટલે આ કાર્ડનો નંબર નાખવો ફરજિયાત. નંબર નાખો એટલે કાર્ડ માં નવું બેન્ક એકાઉન્ટ બતાવે. જો હું વડાપ્રધાન હોઉતો આ એક કાર્ડ બહાર પાળુ જેથી બધે બધા કાગળિયા, કાર્ડ ના રાખવા પડે.
6) ગો ગ્રીન, સેવ અર્થ આ એક અત્યંત જરૂરી કાયદો છે જે હું વડાપ્રધાન હોઉતો ટાઉન પ્લાનિંગ માં અમલમાં મુકું. અગાઉ પણ મારા એક લેખ માં જણાવ્યું હતું એમ આજના સિવિલ કાયદા મુજબ જેમ પાર્કિંગ કંપલસરી છે એમજ દરેક સોસાયટી, ફ્લેટમાં ઘર દીઠ અમુક ટકા વૃક્ષો ફરજીયાત કરવા, દરેક સોસાયટીમાં બાયોગેસ પ્લાન્ટ, વરસાદી પાણી સંગ્રહ, પોતાની પીવાના પાણીની ટાંકી, વીજળી માટે સોલાર સિસ્ટમ જેવી સુવિધાઓ ફરજીયાત કરાવી, ઉપરાંત જે તે શહેર, ગામ ની સીમા માં તે શહેરની વસ્તી મુજબ પાક માટે ખેતીલાયક જમીન ફરજીયાત કરું, ગામ, શહેરમાં અને આજુબાજુના જળ સંગ્રહો ના વપરાશ અને ગંદકી ના થાય એના માટેના કડક કાયદા લાદવા અને એ સ્થળો ને પર્યટન તરીકે વિકસાવા, પાણી જેવી અમૂલ્ય કુદરતી દેન ના વપરાશ પર કાયદા, નિયંત્રણ અને વપરાશની કિંમત ચૂકવવી, જે તે કોર્પોરેશન માં વૃક્ષોની સંખ્યાદર માં દર વર્ષે વૃદ્ધિનો ટાર્ગેટ ફરજીયાત કરું. શહેરના માર્ગો ખાડા રહિત અને રોડ ટેકસ ચૂકવતા નાગરિકોને તેમના શહેરમાં મફત પાર્કિગ અને જે શહેરની સીમા માં આવે છે એ તમામ જગ્યા એ પાર્કિંગની જગ્યા, વ્યવસ્થા આપવી. શહેરમાં વસતા પ્રાણીઓ, વૃદ્ધ ગરીબો, બાળ ગરીબો માટે ટેક્સ વ્યવસ્થાના પૈસા માંથીજ એમનો વસવાટ અને ખાવાનું મળી રહે એવી વ્યવસ્થા ની ગોઠવણ કરવી.
આ એક જરૂરી વિચાર છે જે આપણા અસ્તિત્વ સાથે સંકળાયેલો છે. જેથી આ કાયદા જો હું વડાપ્રધાન હોઉં તો અમલમાં મુકુંજ.
7) જો હું વડાપ્રધાન હોઉતો બીજા કેટલાક કાયદા સંશોધન કરી બહાર પાડું જેમકે દરેક ઘરમાંથી એક વ્યક્તિ ને સરકારી નોકરી, જો સરકારી સ્કૂલ માં ભણેલા વિદ્યાર્થીને ઉચ્ચ ભણતર માટે ગ્રાન્ટ, વીમો, સ્વાસ્થ્ય માટે વિશેષ કાર્ડ વગેરે તથા દરેક નાગરિક પાસે ભારતીય કાર્ડ જરૂરી અને એજ નાગરિક ભારત માં રહી શકે, જેની પાસે આ કાર્ડ હોય એજ મત આપી શકે. દેશના તમામ ઓઢખ ધરાવતા નાગરિક ને મત આપવો ફરજીયાત, જે નાગરિક પાસે ઓઢખ કાર્ડ છે એ તમામને IT રીટર્ન / ટેક્સ ભરવો ફરજીયાત. ટૂંકમાં કાર્ડ છે તો દેશના નાગરિક છો અને તોજ મત અપાશે અને કાર્ડ છે તો આઇ ટી રિટર્ન ભરવું ફરજિયાત.
ઉપરાંત વસ્તી નિયંત્રણ માટે હમ દો, હમારે દો નો કાયદો, જ્યાં બાળકો વધારે હશે ત્યાં ભણતર અને અન્ય સુવિધાની અછત હશે અને એ બાળકોનું ભવિષ્ય ઉજળું નહિ હોય, માટે બાળકોની સંખ્યા પર કાયદો જરૂરી છે. ઉપરાંત બે બાળકો હોય તેમને વિશેષ અધિકાર, ફાયદા, પ્રોત્સાહન આપવા જેમકે વીમો, ભણતર, સ્વાસ્થ, નોકરી, ઘર વગેરે માં પ્રોત્સાહન આપવા. 2 થી વધુ બાળકો માટે આ ફાયદા ના હોય અને ફરજીયાત એક બાળક સુરક્ષકર્મી તરીકે કોઈપણ ક્ષેત્રમાં અમુક વર્ષ ફરજ સેવા આપે. બીજું કે ખાવા પીવા ની વસ્તુઓ પર ભાવ નિયંત્રણ લાદવા, ગુનાખોરી માં જાતીય ગુનાઓ માટે સખત કાયદા લાદવા, બાળ મજૂરી, બાળકો અને સ્ત્રીઓ, બાળકીઓ ને વેચી દેવા, શરીરના અંગો નો વ્યાપાર, બળાત્કાર જેવા ગુના ઓ માટે અત્યંત નવા અને કડક કાયદા લાદવા એ મારી પ્રધાનમંત્રી તરીકે ની ફરજ હોય જો હું વડાપ્રધાન હોઉતો....
છે ઘણું બધું પણ કહ્યું એમ ટૂંક માં આટલું કરું એવી વાતો હું ચા ની ટપરી અને દોસ્તો સાથે હોઉં ત્યારે કરું છું.
કે જો હું વડાપ્રધાન હોઉતો....
તમે......?
અભિનંદન, વિચાર અને વડાપ્રધાન વિશે નિબંધ લેખન સરસ છે.
ReplyDeleteઆભાર આપનો.. બધા બ્લોગ્સ વાંચતા રહેજો અને આગળ મોકલતા રહેજો
Deleteનીચે
ReplyDelete